રાજકોટ લોકલ માર્કેટ – એક અભિન્ન અંગ, ચાલો માણીયે ફરીથી આ દિવાળી પર

rajkot_local_market

એક વાત કરવા માંગુ છું, જે તમે બધાએ રાજકોટવાસી તરીકે લગભગ અનુભવ્યું જ હશે.

વાત કરવા જઈએ તો દિવાળી આવી રહી છે અને તમને ખ્યાલ જ હશે કે રાજકોટ ની મોટા ભાગ ની વસ્તીએ રાજકોટ ની બજાર ની શાન એવા ધર્મેન્દ્ર રોડ અને ઘી કાંટા રોડ પર ખરીદી કરવા ગયા જ હશે અને અમુક હજુ પણ જતા હશે. એક ખુબ જ નાનકડી પણ મહત્વ ની વાત કરવા માગું છું, કે અત્યારે ઈન્ટરનેટ અને ઝડપી જમાનામાં મોટા ભાગના લોકો કાં તો ઓનલાઈન અથવા સુપરમાર્કેટ જેમ કે બિગ બાઝાર, રિલાયન્સ મોલ જેવા મોલ્સ માં જઈ ને ખરીદી કરતા હોઈ છે.

એ વાત સાચી છે કે માન્યતા છે કે ત્યાંથી ખરીદી કરવાથી સમય નો ફાયદો થાય છે, અમુક સેલ ચાલતા હોઈ છે જે ગ્રાહકોને આકર્ષે છે ત્યાંથી ખરીદી કરવા માટે, અમુક દાખલાઓ પરથી કહી શકીએ કે ઘણા અંશે ફાયદો થાય છે પણ એ વાત કરતા જરા પણ અચકાઈશ નહિ કે રાજકોટ ની જૂની બજાર ને તો પહોંચી જ ન શકે, ખાસ કરી ને દિવાળી અને તહેવાર ના સમય પર.!!

મોલ માં અને બીજા બધા સુપરમાર્કેટ માં તમને હાથ જોડી ને આવકારવામાં આવે છે એ તો ખેર સેલ્સમેન ની તાલીમ નો એક અંશ હોઈ છે, પણ જયારે આ જુની બજાર માં દુકાનદાર તમને “આવો આવો” કહે છે એ ખરો આવકાર હોઈ છે, જે તેમને પોતાના વારસામાં મળેલા સંસ્કાર દર્શાવે છે નહિ કે તાલીમ.! આપ જોવા જાઓ તો એક તક તો તમને પણ મળી જ હશે કે તમારા કોઈ સંબંધી તમને એમ કહે કે રાજકોટ ની બજાર માંથી ચણીયા ચોળી, બંગડી, સાડી, તોરણ કે બીજી કોઈ વખણાતી વસ્તુઓ ની ખરીદી કરવી છે. અને એટલું તો હું ચોક્કસ કહી શકીશ કે તમે એમને મોલ ના બદલે આ જ બજાર માં લઇ જશો, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, બંગડી બજાર, સોની બજાર, અને બીજી બધી જુના રાજકોટ ની બજારો માં.

મારા પોતાના અનુભવ પર થી કહી શકું કે એક સમય હતો જયારે દિવાળી હોઈ ત્યારે એ બજારમાં જવા માટે એક ચોક્કસ નિયત સમય નક્કી કરવો પડતો નહીંતર તમને ખુબ જ ભીડનો સામનો કરવો પડતો. એ પહેલાની વાત કરું તો વડીલોનું એવું કહેવું છે કે એ લોકોના જમાનામાં તો પોલીસ પુરા રોડ વચ્ચે દોરડું પકડી ને ઉભા રહેતા અને તત્કાલીન ડિવાઈડર બનાવી આપતા જેથી કરી ને રોન્ગ સાઈડ કોઈ આવી ન શકે અને ભીડ ને કાબુ માં રાખી શકાય. હવે એ જ જોવા જઈએ તો દુકાનદાર અને ગ્રાહક ના વાહનો જ એટલા થઈ ગયા છે એ રોડ પર કે ચાલવા માટે ની જગ્યા જ ઓછી થઈ ગઈ છે. ખરીદી તો ઠીક પણ એવું પણ યાદ આવે છે કે ત્યારે ઘણા બધા લોકો બજારમાં ફક્ત રોશની જોવા માટે જતા. કોઈ છોકરી નું નામ નથી પણ અલગ પ્રકાર ની અને જુદા રંગો ની લાઈટોની રોશની. 😀

bangdi_bazar_Rajkot_local_market

જેમ ઉપર વર્ણવ્યું એમ માણસો ઝડપી જમાના તરફ જઈ રહ્યા છે તો એ પણ ચાલવા ને બદલે પોતાના વાહનો સાંકડા રસ્તા માં ઘુસાડતાં થઈ ગયા છે. ચાલવા માં માણસો ને હવે આળસ આવવા લાગી છે. અને એ તો થવાનું જ, કેમ કે તમને જયારે બધી વસ્તુઓ એક જ જગ્યા પર મળતી થઈ જશે તો સ્વાભાવિક રીતે તમને અલગ અલગ જગ્યા પર જવામાં કંટાળો આવવાનાનો જ. કંટાળો તો એક બીજો શબ્દ છે પણ જયારે એક જ ક્લિક ઉપર તમને ઘરે પાર્સલ પેહોચી જાય ત્યારે ખરેખર “આળસ” આવવા લાગે છે, અને એના કારણે શારીરિક કસરત પણ બંધ થઇ જાય જે તમને માનસિક અને શારીરિક રીતે આળસુ બનાવી દે છે.

આ બધું લખવા પાછળ કોઈ એક મહત્વ ની વાત નથી, પણ જયારે રૂબરૂ જોઈ શકીએ કે ત્યાંના વેપારીઓ પોતે કહે કે “દિવાળી ને હવે 15 દિવસ ની પણ વાર નથી છતાંય ઘરાકી નથી શુ કરવું?”, ત્યારે એક વાત કહેવાનું મન જરૂર થાય કે જે રાજકોટની શાન ગણાય એવી બજાર માં આપણે રાજકોટવાસી થઈ ને જવું તો જોઈએ જ અને ત્યાંના વ્યાપાર ને મદદ કરવી જોઈએ.

હું મોલ ક્લચર અને ઓનલાઇન ખરીદી નો વિરોધ નથી કરતો જમાના સાથે ચાલવું જ જોઈએ, પણ જે રાજકોટ ની ઓળખ છે તેમના ભોગે નહિ.

દિવાળી આવી રહી છે, એટલી આશા રાખી શકું આપ સૌ પાસે, કે રાજકોટ ની શાન ગણાતી બજાર માં જઈ ને કંઈક તો ખરીદી કરશો જ અને ખરીદી ની સાથે એ પણ ધ્યાન રાખશો કે વાહન વ્યવસ્થા ને કોઈ અસર ન પડે.

મારી દિવાળી ની શુભેચ્છા અને સાલ મુબારક આપ સૌ ને.

 

3 thoughts on “રાજકોટ લોકલ માર્કેટ – એક અભિન્ન અંગ, ચાલો માણીયે ફરીથી આ દિવાળી પર

  1. agree with the post. One should live with the change in the trends. But these small markets are the heart of our Diwali Festival at Rajkot and I’m fearing that heart is getting weaker year by year..we should appreciate these small markets culture and make it more brighter. at least for the happiness

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Captcha loading...