મિત્રો ઘણા સમય પછી ગુજરાતી માં પોસ્ટ કરી!
આ પોસ્ટ કરવા પાછળ અત્યારએક મજબૂત અને ચર્ચા નો વિષય બની શકે એવો મુદ્દો છે, ભાષા.
ખાસ કરી ને ભારત (ઈન્ડિયા) માં ઘણી જગ્યા એ લોકો એવું માને છે કે ઇંગ્લિશ એક એવી ભાષા છે કે જેને એ આવડતી હોય તો જ એ શિક્ષિત છે નહીતર અશિક્ષિત.!! આવું ખરેખર વ્યાજબી ગણવું કે નહીં? કેમ કે એ તો નક્કી જ છે કે જ્યાં જેનો જન્મ થયો હશે અને જે જન્મનાર ની માતૃભાષા હશે એ તો શીખવાની જ છે અને શીખી પણ જશે જ. પણ અત્યાર ના આ એક અલગ પ્રકાર ના પ્રવાહ માં એવું ધારી લેવામાં આવે છે કે અંગ્રેજી આવડતું હશે તો જ આગળ વધાશે.
રાજકોટ ના જ એક વ્યક્તિ ની વાત કરું તો એ પોતે પહેલેથી જ ગુજરાતી માધ્યમ માં અભ્યાસ કરેલો છે છતાં એ સારી રીતે અંગ્રેજી બોલી જાણે છે અને થોડું ઘણું અંગ્રેજી માં લખી પણ જાણે છે! હવે એક તદ્દન પર્યાય ઉદાહરણ ની વાત કરીએ તો એક મિત્ર છે એમણે પહેલેથી અંગ્રેજી માધ્યમ માં અભ્યાસ કરેલ છે તો એને માતૃભાષા કહી શકીએ એ ગુજરાતી માં ૧૦૦% લખતા કે વાંચતાં નથી આવડતું! ઘણી જગ્યા એ એને મુશ્કેલી આવે છે.
હું અંગ્રેજી ભાષા નો વિરોધ નથી કરવા માંગતો, અંગ્રેજી ભાષા પણ જરૂરી જ છે. પણ એવી માનસિકતા જે અત્યારે બધા ના મગજ માં ઘુસી ગઈ છે એ નીકળવી પણ જરૂરી છે.
ખાસ કરી ને આ મુદ્દા પર અત્યારે એટલે ચર્ચા કરવાનું વ્યાજબી છે કેમ કે એકાદ મહિના માં સ્કૂલ ચાલુ થશે અને અત્યાર થી એડમિશન માટે વાલીઓ ના ધક્કા પણ ચાલુ થશે.
ભાષા એક પ્રકાર નું માધ્યમ છે નહિ કે માપદંડ. હા, એ જરૂરી છે ખાસ કરી ને એવી જગ્યા પર કે જ્યાં અંગ્રેજી ભાષા નો ઉપયોગ ફરજીયાત પ્રમાણ માં થતો હોઈ. જેમ કે મલ્ટિનેશનલ કંપનીઓ, કે જેમાં એક ફરજીયાત જરૂરિયાતો માં આવે છે.
બાળકો ના એડમિશન માટે જયારે વાલીઓ જાય છે ત્યારે એ એવી દ્વિધા માં હોઈ છે કે અંગ્રેજી માધ્યમ માં એડમિશન લેવું કે ગુજરાતી માધ્યમ માં.
એવું જરુરી નથી કે તમે પેહલે થી બાળક અંગ્રેજી ભાષા માં ભણાવશો તો જ સારું ભણતર મળશે, માનસિકતા એવી રાખવી જોઈએ કે બાળક જે ભણશે એ એના જીવન માં ઉતારશે અને આગળ વધતાં એને જવાન માં કામ આવશે અને એ જ માપદંડ થી એને કોઈ સ્કૂલ માં એડમિશન અપાવવું જોઈએ. અંગ્રેજી અને બીજી ભાષા છે એ તો ભણતા ભણતા શીખી જ જશે, સ્કૂલબેગ નો વજન પણ ઉપાડતા શીખી જાય છે તો ભાષા શીખવી પણ પ્રમાણ માં સહેલી છે. બસ પોતાના માતા પિતા નો સાથ હોવો જોઈએ, અને એક ખાસ નોંધ: કોઈ પ્રકાર ના બળપ્રયોગ વગર! પરાણે કોઈ વસ્તુ શીખવવા માં આવે એ ક્યારે પણ સરખી રીતે શીખી નથી શકાતી, પ્રેમ અને મન થી જે વસ્તુ શીખવવા માં આવે એ જ સાર્થક પુરવાર થાય છે.
તો બધા લોકો ને એટલી નમ્ર વિનંતી અને એક પહેલ કરવા માંગુ છું કે સમાજ માં આ પ્રકાર ના ગેરમાર્ગે દોડતા અને દોરવતા લોકો ને આ માર્ગ ઉપર થી ઉતારી મુકો, પકડી ને નહિ પણ સમજાવી ને!
બધી ભાષાઓની પોતાની એક અલગ પ્રકાર ની ઓળખ હોય છે અને એ ઓળખ કાયમ રહે એવો પ્રયત્ન કરવો જોઈએ, એક ભાષા ને ઊંચી બતાવવા બીજી ભાષા ને નીચી આંકવી યોગ્ય નથી!
મળીશું જલ્દી પાછા, કોઈ નવા મુદ્દા સાથે.