નવરાત્રી: ડિસ્કો દાંડિયાના કલ્ચરમાં નામશેષ થતું ગરબી કલ્ચર

 

ભાદરવો એટલે પિતૃઓ ના આશીર્વાદ મેળવવાનો મહિનો એટલે કે શ્રાધમાસ. ભાદરવો અમાસ પિતૃપક્ષ પૂર્ણ થતાજ નવ દિવસની નવરાત્રી નું આગમન થાય છે. અને આ નવરાત્રીના નવ દિવસ ગુજરાતમાં જ નહિ પણ ભારત ના બીજા રાજ્યો માં પણ ગુજરાતીઓ દ્વારા ઉજવવામાં આવે છે અને વિદેશોમાં પણ ગુજરાતી કોમ્યુનીટી દ્વારા ધૂમધામથી ઉજવવામાં આવે છે.

આ નવ દિવસ લોકો માતાજી ના ગરબા અને ગીતો ગાઈને માતાજીની આરાધના કરે છે અને ઘણા લોકો માતાજીનો ગરબો ઘરે નવ દિવસ રાખીને તેની પૂજા પણ કરે છે. ગુજરાતના વિખ્યાત મંદિરો જેમકે ચોટીલા, માટેલ, બહુચરાજી વગેરે જગ્યાએ પણ માતાજીની આરતી ધામધૂમથી કરવામાં આવે છે.

પણ…..આજે આપણે વાત કરીશું નવરાત્રીના નવ દિવસ થતા ગરબાઓ ની. થોડા સમયની પાછળ જઈએ તો વર્ષો પહેલા ગામમાં અને શહેરોમાં શેરી ગરબીઓ થતી. જેમાં એ ગામની બાળાઓ હિસ્સો લેતી અને અલગ અલગ માતાજીના ગરબાઓ પર રાસ લેતી.

સમયની સાથે ગરબીઓ નું સ્થાન દાંડિયા-રાસ એ લઇ લીધું છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં પહેલાના વખત માં જે ગરબીઓ થતી એ સમયની ઝડપ સાથે ક્યાંક ખોવાઈ ગઈ છે. આ દાંડિયા-રાસ કે ડિસ્કો-દાંડિયા ની રોનકમાં શેરી ગરબીઓ નામશેષ થતી હોઈ એવું લાગે છે.

એવું નથીકે ગરબીઓ લોકોના મગજ માંથી નીકળીજ ગઈ છે પણ સૌરાષ્ટ્રના અમુક શહેરોમાં હજી પણ અમુક ગરબીઓ એ લોકોના હૃદયમાં પોતાનું એક અલગ સ્થાન બનાવી રાખ્યું છે. અને એ ગરબીઓ એ બનાવેલું સ્થાન કોઈપણ ડિસ્કો-દાંડિયા મિટાવી શકશે નહિ.

ચાલોતો વાત કરીએ રાજકોટની અમુક ગરબીઓ ની જેને નિહાળવા માટે લોકો ઉમટી પડે છે….

૧) આશાપુરાની ગરબી:

રાજકોટના પેલેસ રોડ પર આવેલા આશાપુરા મંદિરમાં થતી આ ગરબી આશરે ૪૫ વર્ષથી ચાલે છે. અને આ ગરબી જોવા લોકો ઉમટી પડે છે. પેલેસ રોડ ની આજુબાજુ ના વિસ્તાર જેમકે કેનાલ રોડ, કરણપરા, મીલપરામાં રહેતા લોકો પોતાની દીકરીઓ ને આ ગરબીમાં ભાગ પણ લેવડાવે છે.

૨) પલંગચોક ની ગરબી:

આ ગરબી પણ ઘણા વર્ષોથી રાજકોટના પલંગચોક માં થતી આવે છે. આ ગરબીની ખાસિયત તેનો મોડી રાત્રે થતો ચન્ડ-મુંડ નો રાસ. આ રાસ માં છોકરીઓ કાળી માતાનું રૂપ લઇને ચન્ડ-મુંડ નામના રાક્ષસનો વધ કરે છે. આ રાસ જોવા એટલા માણસો પલંગચોક માં એકઠા થાય છેકે ટ્રાફિક રોકવો મુશ્કેલ બની જાઈ છે.

૩) ગેલેક્ષી ની ગરબી:

દર વર્ષે દાંડિયા-રાસ માં જેમ પાસ ની મારામારી હોઈ છે એમજ આ ગરબી જોવા માટે પણ લોકોને પાસ લેવા પડે છે. અને ઘણીવાર પાસ હોઈતો પણ ઉભા ઉભા જોવાનો વારો આવે. રાજકોટના ગેલેક્ષી ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવતી આ ગરબી નું લાઈટીંગ, સાઉન્ડ અને ગરબીના સંગીતકારો દ્વારા ગાવામાં આવતા ગીતો એકવાર નિહાળવા જેવા ખરા.

૪) રામનાથપરાની ગરુડ ની ગરબી:

રાજકોટની ગરબીઓ ની વાત થતી હોઈ ત્યારે ગરુડની ગરબીની વાત ના થાય એવું બનેજ નઈ. ઘણા વર્ષોથી ચાલતી આ ગરબી ગરુડરાસ માટે ખુબ પ્રખ્યાત છે. રાજકોટના રામનાથપરા ચોકમાં થતી આ ગરબી જોવા લોકો દુર દુરથી પણ પોચી જાય છે. રામનાથપરા માં પેલા જે લોકો રહેતા પણ હવે એ લોકો બીજા વિસ્તારમાં કે શહેરમાં રહેવા લાગ્યા હોઈ એ લોકો પણ નવરાત્રી સમયે એકવાર તો ગરુડની ગરબી જોવા પોચી જ જાઈ છે.

આ બધી ગરબીઓ એ તો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે અને આતો રાજકોટની ગરબીઓ ની વાત કરી પણ બીજા શહેરમાં પણ આવી એક-બે ગરબીઓ હશેજ જે લોકોના દિલમાં હજી વસેલી છે.

દાંડિયા રાસના આ સમયમાં ગરબીઓ નું અસ્તિત્વ ટકવું પણ મુશ્કિલ હોઈ એવું લાગે છે. કેમકે….

ગરબીઓ માં છોકરીઓને અપાતી લાણીઓ નું સ્થાન હવે પ્રિન્સ અને પ્રિન્સેસ એ લઇ લીધું છે. ગરબીઓ નું સ્થાન હવે એપાર્ટમેન્ટ કે ફ્લેટ્સમાં થતા ગરબો એ લઇ લીધું છે. ગરબીઓ માં ગવાતા લોકગીતો નું સ્થાન હવે ફિલ્મી ગીતો એ લઇ લીધું છે. ગરબીના ગીતો માં વાગતા ઓરીજીનલ વાજિંત્રો નું સ્થાન હવે DJ અને ફિલ્મી સિંગરો એ લઇ લીધું છે.

ગરબીઓ માં જે ભક્તિ અને સાદગી જોવા મળતી એ હાઈ-પ્રોફાઈલ દાંડિયા માં ક્યાંક ખોવાઈ ગઈ છે. હવેના દાંડિયા-રાસ માં ભક્તિ અને સાદગી નઈ પણ  પોતાની અવેલેબીલીટી દેખાડતા કલાકારો અને શહેરના રેડીઓ સ્ટેશનના RJs, પોતાની આવનારી મુવી ને પ્રોમોટ કરતા કલાકારો, અને કંપની નું બ્રાન્ડીંગ કરતા સ્ટોલ વધુ જોવા મળે છે.

હવે વાત કરીએ ગરબાના સ્ટાઇલની, થોડા સમય પેલા ફેસબુકમાં એક વિડીઓ જોયેલો તેમાં અમુક યુવક-યુવતીઓ “સાલસા-ગરબા” કરતા હતા. એ વિડીઓ જોઈ એક વિચાર આવ્યો કે આ સાલસા-ગરબા, સેલ્ફી-ગરબા આ બધા ચક્કર આપણા દેશી હીચ, પંચિયું, ટીટોળો, હુડો જેવા રાસ જે આજે પણ ગામડા-ગામમાં નવરાત્રી માં લોકો કરે છે એ ક્યાંક ઈતિહાસ નો બની જાય.

મિત્રો, સમય સાથે બદલાવવું, સમય સાથે ચાલવું એ અગત્ય નું છે અને ચાલવું જ જોઈએ પણ સમયની સાથે આપણી જૂની સંસ્કૃતિ ને પણ આગળ લઇ જવી એ આપણા હાથમાં છે. નવી વસ્તુ ને અપનાવવા માં જૂની વસ્તુ ક્યાંક ખોવાઈ ના જાઈ એનું ધ્યાન રાખવું . (અહિયાં ડિસ્કો-દાંડિયા ને અપનાવવા માં ગરબીઓ ભુલાઈના જાઈ એની વાત થાય છે)

તમારા શહેરની ફેમસ ગરબીઓ ના નામ અને તમારા વિચારો કોમેન્ટ કરી શકો છો…..જય માતાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Captcha loading...