બધા ને પ્યોર કાઠિયાવાડી ના રામ રામ..
આ લેખ ઉપર ઘણા બધા પરિબળો ની ચર્ચા કરી શકીએ એમ છીએ, સ્પોર્ટ્સ શબ્દ પર થી ઘણાખરા લોકો ના મન માં એક જ વસ્તુ યાદ આવે, ક્રિકેટ અને ફૂટબૉલ(ખાસ કરી ને ભારતના લોકોમાં).
મહત્વ ની અને ખુશી ની વાત એ છે કે સમય બદલાયો છે અને ઘણા સ્પોર્ટ્સમાં લોકો ની રુચિ વધી છે.
શિયાળા ની ઋતુ એ સ્પોર્ટ્સ ને પુરી રીતે અનુકૂળ ઋતુ કહી શકાય, આપણને બધા ને ખ્યાલ હશે કે હમણાં થોડા જ સમયમાં કોઈ ને કોઈ એથ્લેટ ઇવેન્ટ નું આયોજન થતું રહેતું હોઈ છે, જેમ કે રાજકોટ માં યોજાયેલ સાયકલોફન, જેમાં ઘણા સાયકલવીરોએ ભાગ લીધો હતો અને મોટા ભાગના પાર્ટિસિપન્ટોએ એ સાયકલોફન પૂર્ણ પણ કરી હતી. આ ઇવેન્ટને રાજકોટની જનતાએ બંને હાથેથી વધાવી હતી. સફળતાપૂર્વક આ આયોજન કરવામાં રાજકોટ મ્યુનિસિપાલિટી અને રાજકોટ પોલીસ નો મહત્વનો ફાળો રહ્યો હતો. આ ઇવેન્ટ ને પ્રિમેરેથોન નામ આપવામાં આવ્યું હતું, એટલે કે ૧૮ ફેબ્રુઆરી ના રોજ રાજકોટમાં ફુલ મેરેથોન નું આયોજન થયેલું છે, સતત ૨ વર્ષની ભવ્ય સફળતા પછી ત્રીજા વર્ષે મેરેથોનનું આયોજન થવા જઈ રહ્યું છે. થોડા સમય પહેલા નાઈટ ફૂટબૉલ ટુર્નામેન્ટનું પણ આયોજન થયેલું જેમાં ગુજરાત ના મોટા ભાગના શહેરોમાંથી ટીમોએ ભાગ લીધો હતો.
રાજકોટ ના ઇન્ડોર સ્ટેડિયમમાં બેડમિંટન ની સ્પર્ધા નું આયોજન થયેલું હતું, ટેનિસ ના કોર્ટ્સ પણ આધુનિક ટેક્નોલોજી અને ફ્લડલાઈટ સાથે બનાવવામાં આવ્યા છે, સિન્થેટિક સર્ફેસ ના એથ્લેટિક ગ્રાઉન્ડ પણ બનાવવામાં આવ્યા છે. તો આ બધું સ્પોર્ટ્સને પ્રોમોટ કરવા માટે જરૂરી હતું અને સમય જતા લોકો ના મનમાં સ્પોર્ટ્સને એક આવકાર મળી રહ્યો છે.
તો આ બધા ફેરફારોને કહી શકાય સ્પોર્ટ્સ રેવોલ્યૂશન! જે ખરેખર જરૂરી હતું.
હવે એક મહત્વની વાત કરીએ, સ્પોર્ટ્સ નું જીવનમાં મહત્વ કેટલું અને શું કામ?, આ સવાલ બધા ના મન માં ઉભો થાય એ સ્વાભાવિક છે.
સ્પોર્ટ્સ ને ઘણા ભાગ ના લોકો એક ખાલી રમત જ માને છે, રમત તો છે જ, પણ રમતમાં પણ ઘણા પ્રકાર ના ભાગો હોઈ છે, જે આડકતરી રીતે આપણા પોતાના જીવન સાથે સંકળાયેલા છે.
જેમ કે,
- નેતૃત્વ
- સંચાર(કૉમ્યૂનિકેશન)
- સહિષ્ણુતા
- આદર
- સંયોગ
- ટિમ વર્ક અને ઘણા બધા બીજા
હાલનું ભારતનું સ્પોર્ટ્સનું સ્ટેટ્સ, ડેવલપમેન્ટ ફેઝ માં છે એમ કહી શકાય, બીજા બધા દેશોની સરખામણીમાં ઘણા પાછળ છીએ.
પણ જેમ આગળ વાત કરી એ પરથી મક્કમતાપૂર્વક કહી શકીએ કે આવનારા વર્ષો માં ચોક્કસ એક આગવું સ્થાન હાંસલ કરશે. આંકડાકીય વાત કરીએ તો હાલ ના ભારતના સ્પોર્ટ્સની તો એક સર્વે મુજબ ભારત નો દશ લાખ લોકો એ એક ગોલ્ડ મેડલનો રેશિયો 0.005 છે , જયારે ચાઈનાનો 0.331 છે, ક્યુબાનો 1.331 છે, અને જમૈકાનો 4.425 છે.
આ વાત ખાલી આપણે સ્પોર્ટ્સ ની કરી, આર્થિક અને ગ્લોબલ રેન્કિંગ ની વાત કરીએ તો કોઈ શંકા ને સ્થાન નથી કે ભારત એક ઘણો સફળ અને આગળ પડતો દેશ છે. ભણતર જરૂરી છે, વ્યવસાયિક માઈન્ડસેટ પણ જરૂરી છે , પણ સાથે સાથે થોડું દોડવું પણ જરૂરી છે!
આગળ વાત થઇ એ મુજબ વ્યવસાયિક માઈન્ડસેટ ઘણા લોકોનો હોઈ છે, તો એ માઈન્ડસેટ સાથે, બિઝનેસ પોઇન્ટ ઓફ વ્યૂથી લોકો ઘણી પ્રકાર ની ટુર્નામેન્ટ રમાડતા હોઈ છે, જેમ કે ISL(ઇન્ડિયન સુપર લીગ), IPL(ઇન્ડિયન પ્રીમિયર લીગ) PBL(પ્રીમિયર બેડમિંટન લીગ), CTL(ચેમ્પિયન્સ ટેનિસ લીગ) અને એક ખુબ જ સફળતાપૂર્વક ભારતીય કલ્ચર ને ફરીથી પ્રસ્તુત કરનાર રમત, પ્રો કબડ્ડી લીગ. તો આ બધી સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ ના લીધે ભારતને પોતાને જ નહિ પણ વિશ્વ ના બીજા દેશો ને પણ પ્રતિભાશાળી ખેલાડીઓ મળી આવે છે. બિઝનેસ માઈન્ડસેટથી શરુ થયેલી આ બધી ટુર્નામેન્ટમાં રમત સાથે સાથે યુવાન ખેલાડીઓ ને પણ એક બહુ મોટી તક મળે છે, અને જો એ તક ઝડપી લે તો વિશ્વસ્તરે કામયાબી પણ મેળવી શકે છે.
અહીં ઘણા મુદ્દાઓ ની વાતો કરી જેમ કે વિવિધ રમતો ને અપાતું પ્રોત્સાહન, સ્પોર્ટ્સ થકી અંગત જીવન માં કામ આવી શકે એવા પરિબળોની ઉપયોગીતા, કૉમર્શિઅલ યુઝ, વિગેરે.
આ બધા પ્રયાસો પછી એક વસ્તુ તો આપણા પોતાના પર જ રહેવાની કે શું આપણે સ્પોર્ટ્સમાં ભાગ લેવો કે નહિ, આપણે નહિ તો આપણી આવતીકલની પેઢીને એમાં ભાગ લેવડાવવો કે નહિ. જ્યાં સુધી વ્યક્તિગત પસંદ નહિ બદલે ત્યાં સુધી સ્પોર્ટ્સના સ્તરની વૃદ્ધિ થવી મુશ્કેલ છે.
હવે આ બધા પછી એક જરૂરી વાત પર ધ્યાન દઈએ, સ્પોર્ટ્સનો એક મહત્વનો ફાયદો છે શારીરિક ઉચ્છેર, જે બાળકો માટે ખુબ જ જરૂરી છે.
પણ અત્યાર ના માતા-પિતાઓ ને શારીરિક વિકાસ કરતા માર્કશીટ નો વિકાસ વધુ વ્હાલો છે, કેટલા માર્ક્સ આવ્યા, કેટલામોં નંબર આવ્યો, ક્યાં એડમિશન મળ્યું વિગેરે. આ બધી વાત માં ક્યાંક ને ક્યાંક સ્કૂલ નું મેદાન નથી જોઈ શકતા, જે ખૂબ જ જરૂરી છે બાળકો ના શારીરિક વિકાસ માટે, અને મેદાન જોવે પણ ક્યાંથી?!, એપાર્ટમેન્ટ માં જ તો સ્કૂલ બનેલી હોઈ છે!! સ્કૂલ બનાવામાં માટે જે વિશાળ લોન લીધેલી હોઈ છે, એ ચૂકવવા માટે મહાકાય સ્કૂલ-ફી લેવામાં આવે છે, આડકતરી રીતે તો એ જ થયું ને, બાળકો ના માતા-પિતા સ્કૂલે બેંક માંથી લીધેલી લોન ના હપ્તા ભરવાના. આ બધી વાતો પરથી એક જ તારણ નીકળી શકે છે, માતા-પિતા ને પોતાના બાળકોના ભવિષ્ય ની ચિંતા થોડી વધુ થવા લાગી છે, એક જ રટણ જોવા મળે છે આજકાલ, કૉપિટિશન. પણ એ વાતની કોઈ સ્યુરેટી છે કે ભણ્યા પછી ભવિષ્ય ઉજ્જવળ જ છે!! નહિ. આ કૉપિટિશન ની પાછળ કેટલાયે બાળકો નો શારીરિક વિકાસ રૂંધાયેલો છે.
એક જમાનો હતો જયારે ઘર ના લોકોને ખ્યાલ પણ ન હોઈ કે બાળકની પરીક્ષા હતી અને એ સારા માર્ક એ પાસ પણ થઇ ગ્યો, એ સમયમાં જયારે બાળક ને ૭૦.૦૦% ગુણ આવે તો ઘર માં ખુશી નું વાતાવરણ છવાઈ જતું, અને હવે માર્ક્સ જોઈએ તો ૯૯.૯૫%, ૯૯.૯૮%, ૦.૦૨%નાં ફેર માં તો ૨૦-3૦ વિદ્યાર્થીઓ હોઈ!! અજુગતું ન લાગે!! અને એ જ વિદ્યાર્થીને ૧કિમિ દોડવાનું કહીએ તો માંડ દોડી શકે, અને જો એમના માતાપિતા વધુ સાવધ રહેવા વાળા હોઈ તો ૧કિમિ દોડવા માટે નાઈકી, એડિડાસ, રીબ્બોક નાં સૂઝ લઇ દેશે, એનર્જી ડ્રિન્ક પીવડાવશે, માથા પર ટોપી લઇ દેશે!! એક બહુ સારો શબ્દ અત્યારનાં બાળકો માટે ફિટ બેસે એમ છે, હૅન્ડલ વિથ કેર.
સ્પોર્ટ્સ ની વાતો કરતા કરતા બીજા પાટે ચડી ગયા, તો વાત કરતા હતા સ્પોર્ટ્સ ની. બાળકો માટે સ્પોર્ટ્સ ખાસ જરૂરી છે, ફક્ત બાળકો નહિ પણ બધા માટે સ્પોર્ટ્સ ફાયદાકારક છે.
મેરેથોન અને બીજી ઘણીબધી કૉપિટિશન નું આયોજન થતું રહેતું હોઈ છે, તો એ સમયે લોકો માટે એક ઉત્સાહવાળું વાતાવરણ ફેલાય છે, ભલે નાની તો નાની મેરેથોન માં ભાગ લ્યે, સેલ્ફી લઇને ઇન્સ્ટાગ્રામ માં પોસ્ટ કરે, ફેસબુક માં પોસ્ટ કરે બસ હેતુ પૂરો!! આ વસ્તુ પણ વ્યાજબી નથી ને!! જો આ જ હેતુ થી કૉપિટિશન માં ભાગ લેવા માંગતા હો તો એમને એનો હેતુ મુબારક, બાકી આ બધું લખવા પાછળ નો એક જ હેતુ અને ધ્યેય હતો, શરીર અને મગજ માટે સ્પોર્ટ્સમાં ભાગ લ્યો!
આપણને બધા ને ખ્યાલ જ છે કે મોટા ભાગ નાં લોકોનું જીવન બેઠાળુ થઇ ગયું છે, અને શરીર ને કોઈ પ્રકાર ની કસરત નથી થતી હોતી, તો એ બધા માટે સ્પોર્ટ્સ જરૂરી છે. એવું જરૂરી નથી કે આટલું રમીએ તો જ રમ્યા કહેવાય, થોડું રમો પણ દિલ થી રમો, મનોભાવ તમારો હકારાત્મક હોવો જોઈએ, એવું નહિ કે રમવું પડે એટલે રમી લીધું, એવું કરીએ તો એ નકારાત્મકતા ની નિશાની છે.
ઘણી બધી ચર્ચા કરી, ઘણા મુદ્દાઓ ઉપર વાત કરી, તો એ બધા પરથી એક વાત કહી શકાય કે સ્પોર્ટ્સ એક જરૂરી વસ્તુ છે આપણા જીવનમાં, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્પોર્ટ્સ ફાયદો કરે જ છે.
એવી આશા છે કે થોડુંઘણું, જેટલું મારુ પોતાનું નિરીક્ષણ થયેલું છે એટલું આ પોસ્ટ સમક્ષ પીરસ્યું અને તમને ગમ્યું હશે.
આપ કૉમેન્ટ્સ માં આપનો પોતાનો અભિપ્રાય આપી શકો છો.
તો રમો અને રમવાનો આનંદ લ્યો..
જય હિન્દ